ગુજરાત તને અભિનંદન
વંદન અભિનંદન વંદન અભિનંદન
વેદકાળથી વહે નિરંતર જ્ઞાન ભક્તિની ધારા,
દસે દિશાઓ રક્ષે દેવો, નરનારી અહિ ન્યારા,
તું સોમનાથનું બિલિપત્ર તું દ્વારકેશનું ચન્દન,
અભિનંદન અભિનંદન ગુજરાત તને અભિનંદન.
ધરતીકંપમાં ઊભો રહ્યો’તો સાવ અડીંખમ માણસ,
દુષ્કાળોની દારુણ ક્ષણમાં સતત ધબકતો માણસ,
સરળ સહજ થઈ સંતાડ્યુ તે આંસુભીનુ ક્રંદન,
ગુજરાતીના ગૌરવથી આ ધરા બની નંદનવન.
અભિનંદન અભિનંદન ગુજરાત તને અભિનંદન.
કમ્પ્યુટરમાં કૃષ્ણ નિહાળે,
ગરબે અંબા રમતી,
દેશવિદેશની વેબસાઈટમાં વિસ્તરતી ગુજરાતી,
સમૂહજીવનમાં સૌની સાથે વહેંચે કેવા સ્પન્દન,
ગુજરાતીના ગૌરવથી આ ધરા બની નંદનવન.
અભિનંદન અભિનંદન ગુજરાત તને અભિનંદન.
સ્વર્ણિમ સંકલ્પો જાગ્યા છે જાગી છે મહાજાતિ,
જય જય જય જય જય જય જય જય બોલે હર ગુજરાતી..
- ભાગ્યેશ જહા
॥ગરવી-ગુજરાત ।।

No comments:
Post a Comment